વડનગરમાં 19 અને 20 નવેમ્બરે ભવ્ય તાના-રીરી મહોત્સવ, માલિની અવસ્થી અને હેતલ મહેતા જોશીને મળશે તાના-રીરી એવોર્ડ

Maru Mehsana 5 days ago Mehsana

Updated:

મહેસાણા જિલ્લાના ઐતિહાસિક નગર વડનગરમાં 19 અને 20 નવેમ્બરના રોજ બે દિવસીય તાના-રીરી મહોત્સવ યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં મહોત્સવનો પ્રારંભ થશે. આ વર્ષે જાણીતી ગાયિકા માલિની અવસ્થી અને હેતલ મહેતા જોશીને પ્રતિષ્ઠિત તાના-રીરી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. દેશના જાણીતા શાસ્ત્રીય સંગીતકારો પણ પોતાની રજૂઆત આપશે.

મહેસાણા જિલ્લાના ઐતિહાસિક નગર વડનગરમાં ગુજરાતની સંગીત અને સાંસ્કૃતિક પરંપરાને ઉજાગર કરતો પ્રતિષ્ઠિત તાના-રીરી મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે.

આ બે દિવસીય મહોત્સવનું આયોજન 19 અને 20 નવેમ્બર દરમિયાન વડનગરના તાના-રીરી ગાર્ડન ખાતે કરવામાં આવ્યું છે. 19 નવેમ્બરના રોજ સાંજે 6:30 કલાકે મહોત્સવનો પ્રારંભ થશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે.

આ વર્ષે સંગીત ક્ષેત્રે વિશેષ યોગદાન બદલ જાણીતી ગાયિકા માલિની અવસ્થી અને હેતલ મહેતા જોશીને પ્રતિષ્ઠિત તાના-રીરી એવોર્ડ એનાયત કરવામાં આવશે.

મહોત્સવના પ્રથમ દિવસે ગાયિકા સૂર્યા ગાયત્રી અને પદ્મશ્રી પંડિત તેજેન્દ્ર નારાયણ સહિતના કલાકારો સંગીતની પ્રસ્તુતિ આપશે.

જ્યારે 20 નવેમ્બરના રોજ જાણીતા શાસ્ત્રીય ગાયક પંડિત જયતીર્થ મેવુન્ડી, સિતાર વાદક પંડિત પૂર્વાયન ચેટરજી અને ભૌમિક શાહ પોતાની કલાની રજૂઆત કરશે.

વડનગરની નાગર બહેનો તાના અને રીરીની સંગીત સાધનાને યાદ કરવા માટે આ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. વર્ષ 2003માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ મહોત્સવની શરૂઆત કરાવી હતી.

આ મહોત્સવના માધ્યમથી વડનગરની ઐતિહાસિક ઓળખ અને ગુજરાતની શાસ્ત્રીય સંગીત પરંપરાને રાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ મળે છે.

Share this news

More news