Updated:
મહેસાણા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી મંદિરમાં નૂતન વર્ષના પવિત્ર અવસરે મા બાળા બહુચરને સોનાનાં વાસણોમાં વિશેષ રાજભોગ ધરાવવામાં આવ્યો હતો. ગાયકવાડ શાસનકાળથી ચાલી આવતી આ પરંપરા મુજબ વર્ષમાં માત્ર બે વખત દિવાળી અને બેસતા વર્ષના દિવસે માતાજીને સુવર્ણ થાળમાં ભોજન અર્પણ કરવામાં આવે છે. આ વિશેષ પ્રસંગના દર્શન માટે મોટી સંખ્યામાં માઈભક્તો બહુચરાજી ધામ પહોંચ્યા હતા.
મહેસાણા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી મંદિરમાં દિવાળી અને નૂતન વર્ષના પવિત્ર અવસરે વર્ષો જૂની ધાર્મિક પરંપરા નિભાવવામાં આવી હતી. બેસતા વર્ષ નિમિત્તે મા બાળા બહુચરને સોનાનાં વાસણોમાં વિવિધ પકવાનો સાથે વિશેષ રાજભોગ ધરાવવામાં આવ્યો હતો.
આ પરંપરા ગાયકવાડ શાસનકાળથી ચાલી આવે છે. વડોદરાના રાજવી માનાજીરાવ ગાયકવાડ દ્વારા માતાજીને ભેટ આપવામાં આવેલી સુવર્ણ થાળી, વાટકી, ચમચી સહિત કુલ નવ સોનાનાં પાત્રોમાં રાજભોગ પીરસવામાં આવે છે. સામાન્ય દિવસોમાં માતાજીને ચાંદીના વાસણોમાં ભોગ ધરાવવામાં આવે છે, જ્યારે દિવાળી અને બેસતા વર્ષના દિવસે વિશેષ રીતે સોનાનાં વાસણોનો ઉપયોગ કરવામાં આવે છે.
આ પ્રસંગે માતાજીને વિશેષ આભૂષણોથી શણગારવામાં આવ્યાં હતાં. રાજભોગમાં પૂરી, પાપડ, ભજીયાં, ટોપરાપાક, લાડુ, વાલનું શાક, બટાકાનું શાક, મિક્સ શાકભાજી, દાળ-ભાત અને ખીર સહિતની વિવિધ વાનગીઓ ધરાવવામાં આવી હતી.
આ સુવર્ણ થાળની પરંપરા પાછળ ગાયકવાડ શાસનકાળ સાથે જોડાયેલી એક ઐતિહાસિક માન્યતા પણ છે. કહેવાય છે કે વડોદરાના રાજવી માનાજીરાવ ગાયકવાડ બીમારીમાંથી મુક્ત થયા બાદ માતાજી પ્રત્યેની શ્રદ્ધા અને કૃતજ્ઞતાના પ્રતીકરૂપે સોનાનાં વાસણો અર્પણ કર્યાં હતાં. ત્યારથી આ વિશેષ પરંપરા શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે.
વર્ષમાં માત્ર બે વખત યોજાતા આ વિશેષ રાજભોગના દર્શન કરવા માટે દૂરદૂરથી મોટી સંખ્યામાં માઈભક્તો બહુચરાજી ધામ પહોંચ્યા હતા. માતાજીનાં દર્શન કરી ભક્તોએ નવા વર્ષની શુભ શરૂઆત કરી હતી.
બહુચરાજી મંદિરની આ પરંપરા મહેસાણા જિલ્લાની ધાર્મિક અને સાંસ્કૃતિક વિરાસતનું આગવું પ્રતીક બની રહી છે.